શિરડીનું સાઈબાબા મંદિર વિશ્વવિખ્યાત છે. દેશ-વિદેશથી લોકો અહીં સાઈબાબાના દર્શન કરવા આવે છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીં જે પણ વ્યક્તિ પોતાની મનોકામના વ્યક્ત કરે છે તેને સાંઈબાબા અચૂક પૂરી કરે છે. 26 ઓક્ટોબર 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસ માટે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે છે આ દરમિયાન બપોરે 1:00 કલાકે પીએમ મોદી શિરડીના સાંઈબાબા મંદિરમાં દર્શન અને પૂજા કરશે
મહારાષ્ટ્રમાં આવેલા શિરડીનું આ તીર્થસ્થળ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે પહોંચે છે. આ મંદિર પ્રત્યે લોકોને અતૂટ શ્રદ્ધા છે. ખાસ કરીને લોકોની આસ્થા ત્યારે વધી જ્યારે આ મંદિરમાં બે ચમત્કાર જોવા મળ્યા. આ ચમત્કારની ઘટનાઓએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અહીં દર્શન કરવા આવતા ઘણા લોકો આ ચમત્કારી ઘટનાઓથી અજાણ હોય છે. તો ચાલો તમને જણાવીએ શિરડીના સાંઈ મંદિર સાથે જોડાયેલા આ બે ચમત્કાર વિશે.
પહેલો ચમત્કાર
જરૂરિયાતમંદ લોકોની સેવા અને મદદ કરનાર સાંઈબાબા સાથે જોડાયેલી આ ઘટનાએ બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પ્રચલિત કથા અનુસાર સાંઈબાબાના આશીર્વાદથી ગંભીર બીમારીઓ પણ દૂર થઈ જાય છે જેના કારણે લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા આવે છે. આવી જ રીતે વર્ષો પહેલા એક શ્રદ્ધાળુ સાંઈબાબા ના દર્શન કરવા આવ્યો હતો તે સમયે તેણે સાંઈબાબાનો એક ફોટો લેવાનો પ્રયત્ન કર્યો હતો. તે ભક્તિ સાંઈબાબાનો ફોટો કેમેરામાં કેદ કર્યો અને પછી જ્યારે તે ફોટો જોયો તો તેમાં સાંઈબાબાના શરીરના બદલે માત્ર ચરણ જ દેખાયા.
બીજો ચમત્કાર
સાંઈબાબા એ પોતાના જીવનનો મોટાભાગનો સમય શિરડીમાં જ પસાર કર્યો. તેઓ શિરડીમાં રહેતા ત્યારે એક લીમડાના ઝાડ નીચે બેસતા હતા જેને હવે ગુરુ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. બીજો ચમત્કાર આ ગુરુ સ્થાન સાથે જોડાયેલો છે. આમ તો આ લીમડાનું ઝાડ કડવા લીમડાનું છે પરંતુ તેના પાન મીઠા છે. આ ચમત્કારની અનુભૂતિ આજે પણ ભક્તો કરી શકે છે. ઘણા લોકો આજે પણ આ લીમડાના તૂટેલા પાનને ચાખે છે તો તે કડવા લાગતા નથી. આ લીમડાના પાનને લઈને માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ પાન ખાય છે તેને બીમારી થતી નથી.